આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ગુજરાતના રાજકારણમાં તમામ પક્ષો મતદારોને રીઝવવા માટે જાહેરસભાઓ અને કાર્યક્રમો કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ પણ કાર્યકરોની સાથે રાજ્યના નાગરિકો સુધી પહોંચી રહ્યા છે. ગુજરાતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે ટીકીટને લઈને ગુજરાત ભાજપમાં પણ કેટલીક અસમંજસ બહાર આવી રહી છે. આવા સંજોગોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી માતાના દર્શન કરીને મહત્વનું નિવેદન આપ્યું છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પત્ની સાથે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. અંબાના દર્શન કર્યા બાદ વિજય રૂપાણીએ ચૂંટણી પહેલા મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે પક્ષ જે કહે તે હું કરીશ, પક્ષ જ્યાંથી લડશે, ત્યાંથી ચૂંટણી લડીશ, જો ના પાડશે તો હું લડીશ નહીં
અડધી પીચ પર રમી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી માતાના દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, પાર્ટી અમને મેદાનમાં ઉતારશે તો અમે રમીશું. હું પાર્ટીના નિર્ણય પ્રમાણે કામ કરીશ. હું ભાજપનો કાર્યકર છું અને પાર્ટીની જીત માટે કામ કરીશ. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે પૂર્વ સીએમ રૂપાણીનું આ નિવેદન પ્રતિકાત્મક છે. કારણ કે પૂર્વ વિજય રૂપાણી ચૂંટણી લડશે કે કેમ તે સતત જાહેરમાં ચર્ચાનો વિષય રહ્યો છે. પરંતુ હવે સ્પષ્ટ છે કે રૂપાણીએ ચૂંટણી લડવાનો નિર્ણય પક્ષ પર છોડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં છે. રવિવારે કમલમમાં શ્રેણીબદ્ધ બેઠકો થશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવી રહ્યા છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાશે. જેમાં પાર્ટીની ભાવિ રણનીતિ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.