અમદાવાદ: બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના મોત થવાના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર વિરુદ્ધ આકરા વેણ ઉચ્ચાર્યા છે. શંકરસિંહે જણાવ્યું હતું કે, આ પહેલા પણ આવી જ રીતે ઝેરી દારુ પીને ગુજરાતમાં મોતને ભેટ્યા છે, છતાંય ગુજરાત ગાંધીજીના નામે નાટકીય એવી આ ધતીંગવાળી નશાબંધીની નીતિ છોડી શકતું નથી. વાઘેલાએ જનતાને નશાબંધીના નાટકમાંથી બહાર નીકળવા અપીલ કરી વૈજ્ઞાનિક ઢબે નવી નશાબંધી નીતિનો અમલ કરવા જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું હતું કે આ બાબતની ચિંતા પ્રજા અને સરકારે કરવી જોઈએ.ભાજપ પર આકરા પ્રહારો કરતા વાઘેલાએ કહ્યું હતું કે, ભાજપ દારુના નશામાં ધૂત થઈ મહિલા મંત્રી સાથે ગેરવર્તન કરવા પોતાના જિલ્લા પ્રમુખનું માત્ર રાજીનામું લઈને સંતોષ માને છે. રાજ્યમાં પીનારા, દારુ લઈ જનારા સામે કડક કાર્યવાહી કરવાના કાયદા છે, પરંતુ ભાજપના જ નેતા પર આ અંગે કોઈ કાર્યવાહી નથી થઈ. આજે ગુજરાતમાં એકેય ગામ એવું નથી કે જ્યાં દારુ ખૂલ્લેઆમ વેચાતો ના હોય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગયા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ગઈકાલ સુધી દારુના ધંધામાં હતા, ભ્રષ્ટાચારમાં, બેંક લૂંટવામાં તેમજ મારામારી અને ગુંડાગીરીમાં પડેલા હતા તેવા લોકોના હાથમાં આજે ભાજપ તેમજ ગુજરાતનું શાસન આવી ગયું છે.બોટાદની ઘટનામાં ગ્રામ પંચાયતના આગેવાને પોલીસ અને સરકારને પત્ર લખી ગામમાં દારુ વેચાતો હોવાનું જણાવ્યું હોવા છતાંય કોઈ પગલાં ના લેવાયા. જો કાર્યવાહી કરાઈ હોત તો આજે નિર્દોષ લોકોએ પોતાના જીવ ના ગુમાવવા પડ્યા હોત તેમ કહેતા વાઘેલાએ જણાવ્યું હતું કે દારુબંધીનું આ નાટક બંધ થવું જોઈએ. દારુ પીનારા, ભ્રષ્ટાચારીઓને સરકાર સમર્થન આપી રહી છે જેના પર તેને પુન:વિચાર કરવાની જરુર છે. રાજ્યની પૂર્વપટ્ટીના વિસ્તારમાં ગ્રેજ્યુએટ થયેલા આદિવાસી યુવક-યુવતીને સરકાર દારુ ગાળવાનું લાઈસન્સ આપે તેવી માગ કરતા વાઘેલાએ કહ્યું હતું કે સરકાર સુપરવિઝન કરી બેકાર ગ્રેજ્યુએટને દારુનું ઉત્પાદન કરવા મદદ કરે.ગુજરાતમાં દારુબંધીને કારણે ક્લબ કે ફાર્મહાઉસમાં ભેગા થઈ પાર્ટી કરતા શ્રીમંત કે સુખી લોકોની આબરુના ધજાગરા ઉડાવાય છે જ્યારે આવી ઘટનામાં પ્રોટેક્શન આપવામાં આવે છે. તેવામાં જો પૂર્વની પટ્ટીમાં આદિવાસી ગ્રેજ્યુએટને દારુના ઉત્પાદનનું લાઈસન્સ અપાય તો બેકારી દૂર થાય. તે જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બેકાર ઓબીસી યુવક-યુવતીઓને લાઈસન્સ અપાય તો લાખો લોકોને રોજગાર મળશે તેમજ લઠ્ઠો પીને લોકો મોતને નહીં ભેટે. ઝેરી દારુ પીવાથી ગુજરાતમાં કેટલાય લોકો મરે છે, રોજ કેટલા લોકો મરે છે તે કોઈને ખબર નથી. વળી, તેના કારણે કરોડો રુપિયાની આવક ગુજરાતમાંથી જાય છે અને બીજા રાજ્યો મજા કરે છે. દારુબંધીને કારણે પોલીસને હપ્તા મળે છે ત્યારે સરકારે દારુબંધી પર પુન:વિચાર કરવો જોઈએ, તેમ પણ શંકરસિંહે જણાવ્યું હતું.