અમદાવાદ/ગુજરાત : ભાજપની કેન્દ્ર સરકારે રોહિંગ્યાઓને દિલ્હીમાં વસાવવાની જાહેરાત કરી છે. આનો વિરોધ કરતાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે રોહિંગ્યાઓને દિલ્હીમાં સ્થાયી થવા દેવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકારમાં મંત્રી હરદીપ પુરીએ જાહેરાત કરી છે કે મોદી સરકાર રોહિંગ્યાઓને EWS ફ્લેટ આપીને વસાવશે અને તમામ સુવિધાઓ સાથે 24 કલાક પોલીસ સુરક્ષા આપશે. આ સમગ્ર દેશ અને આપણા દિલ્હીવાસીઓની સુરક્ષા માટે ખતરો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે દેશની જનતા માટે મફત શિક્ષણ અને આરોગ્ય માટે પૈસા નથી. બીજી તરફ રોહિંગ્યાઓ પર કરોડો રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ભાજપની મોદી સરકાર પાસે દેશના લોકોને સુરક્ષા આપવા માટે કંઈ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યા થઈ રહી છે. કાશ્મીરી પંડિતોને સુરક્ષા નહીં પરંતુ રોહિંગ્યાઓના વોટ માટે મોદીના મંત્રીઓ કરોડોનો ખર્ચ કરશે અને 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ સરકારે બાંગ્લાદેશના લોકોને વર્ષો સુધી અહીં સ્થાયી કરીને પોતાની વોટ બેંક બનાવી. તેવી જ રીતે ભાજપ સરકાર આ રોહિંગ્યાઓનો પોતાના હેતુ માટે ઉપયોગ કરવા માંગે છે. હરદીપ પુરીની રોહિંગ્યાઓને વસાવવાની જાહેરાત બાદ ભાજપના સમર્થકો પણ નારાજ છે. તેઓ કહે છે કે તેમને ખબર ન હતી કે ભાજપ આવું ષડયંત્ર રચી શકે છે અને તે આવી બે મોઢા વાળી પાર્ટી છે.

ભાજપના મંત્રી હરદીપ પુરી ટ્વીટ કરી કહે છે કે અમે રોહિંગ્યાઓને દિલ્હીમાં વસાવીશું અને એમને ફ્લેટ અને બધી સુવિધા આપીશું: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી રોહિંગ્યાઓને દિલ્હીમાં વસવા નહીં દે: ઇસુદાન ગઢવી

ભાજપની સરકાર દિલ્હીમાં લોકોને ઘર આપી શકતી નથી અને રોહિંગ્યાઓને એમને અહીંયા વસાવા છે: ઇસુદાન ગઢવી

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન એક અમિત શાહને પત્ર લખી સમગ્ર મામલે તપાસ ની માંગ કરી: ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે દિલ્હીમાં રોહિંગ્યાઓને આવાસ આપવાના ષડયંત્ર સામે દિલ્હી સરકારે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ સંબંધમાં એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને અંધારામાં રાખીને રોહિંગ્યાઓને આશ્રય આપવા માટે દિલ્હીમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને NDMC ફ્લેટ આપવાની વાત ચાલી રહી છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેશના ગૃહમંત્રી અમિત શાહે અગાઉ કહ્યું હતું કે પીડીપીએ રોહિંગ્યાઓને આશ્રય આપ્યો હતો અને બાદમાં ભાજપે પીડીપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ પછી પણ રોહિંગ્યાઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા ન હતા. બીજેપી નેતાઓના જણાવ્યા અનુસાર છેલ્લા વર્ષોમાં રોહિંગ્યા 40 હજારથી વધીને 5 લાખ થઈ ગયા છે.આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપે સમગ્ર દેશમાં રોહિંગ્યાઓને વસાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓને દેશમાંથી ભગાડવાનું કહ્યું તે પછી પણ તેઓ આજદિન સુધી તેમને બહાર કાઢ્યા નથી. ભાજપ પોતાના ફાયદા માટે રોહિંગ્યાઓને દેશની અંદર લાવી રહી છે.

ઇસુદાન ગઢવીએ કહ્યું કે અમે ભાજપની નરેન્દ્ર મોદી સરકારના વરિષ્ઠ મંત્રી હરદીપ પુરીના કેટલાક ટ્વિટ જોયા. જેમાં તેણે પોતાની જ કેન્દ્ર સરકારની પીઠ થપથપાવીને લખ્યું કે, જુઓ કે કેવી રીતે ભારત સરકાર રોહિંગ્યાઓને વસાવવા માટે ફ્લેટની વ્યવસ્થા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી આખા દેશ સાથે આટલું મોટું ષડયંત્ર કરી રહી છે. આજે સમગ્ર દેશની સામે ભાજપની મોદી સરકારનો પર્દાફાશ થયો છે. આ લોકો રોહિંગ્યાઓને વસાવવા માટે નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC)ના બક્કરવાલામાં રોહિંગ્યાઓને EWS ફ્લેટ આપી રહ્યા છે. તેની અંદર તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે અને 24 કલાક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. NDMC કેન્દ્ર સરકારની છે અને હરદીપ પુરીના મંત્રાલય હેઠળ આવે છે.