વડોદરાના સાવલી નજીકના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ગુજરાત ATS-ભરૂચ-વડોદરા SOG દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો અને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ, જેની કિંમત રૂ. 1125.265 કરોડ છે, જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 14 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. હવે આ કેસમાં પોલીસે ગુરુવારે વધુ 4 લોકોની ધરપકડ કરી છે.
ગુરુવારના અહેવાલ મુજબ આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. ATSની ટીમે 17 ઓગસ્ટના રોજ આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઈ વઘાસીયા, દિનેશભાઈ ઉર્ફે દીનીયો આલાભાઈ ધ્રુવ અને રાકેશ ઉર્ફે રાકો નરશીભાઈ નાકાણીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ એટીએસની ટીમે અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં પકડાયેલા આરોપીઓ અન્ય ગુનાહિત પ્રવૃતિઓમાં પણ સંડોવાયેલા હતા. તેઓએ ગેરકાયદે દવા મેફેડ્રોન (MD) ક્યાં અને કોને વેચી છે? પોલીસ વધુ તપાસ કરી રહી છે કે તેઓને પૈસા કેવી રીતે મળ્યા તેમજ નાર્કોટિક્સ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે