કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પ્રથમ વખત આરોપી બનાવવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટ આ મામલે 31 ઓગસ્ટે સુનાવણી કરશે.
આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિઝે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું- ‘ડિયર મી, હું બધી સારી વસ્તુઓને લાયક છું… હું શક્તિશાળી છું અને મારી જાતને સ્વીકારું છું, તે બધુ જલ્દી જ ઠીક થઈ જશે, હું મજબૂત છું અને મારા સપના અને લક્ષ્યોને પ્રાપ્ત કરી શકું છું, હું તે કરી શકું છું.
તમને જણાવી દઈએ કે આ પહેલા ED જેકલીનને તપાસ માટે ઘણી વખત સમન્સ પાઠવી ચૂક્યું છે. EDની અગાઉની ચાર્જશીટ અને અન્ય પૂરક ચાર્જશીટમાં તેનું નામ આરોપી તરીકે નથી. જો કે, દસ્તાવેજોમાં આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી દ્વારા નોંધાયેલા નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધારાના સેશન્સ જજ પ્રવીણ સિંહે કેસમાં પૂરક ચાર્જશીટને સંજ્ઞાન લેવાના મુદ્દે આ મામલાની સુનાવણી 31 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.
ED અનુસાર, જેકલીન અને નોરા ફતેહીની પૂછપરછ કરવામાં આવી હતી. EDએ કહ્યું કે અભિનેત્રીઓને ચંદ્રશેખર તરફથી મોંઘી કાર સહિત મોંઘી ભેટ મળી હતી. EDએ કહ્યું કે તપાસ દરમિયાન જેકલીનના નિવેદનો 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર, 2021ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે તેને ચંદ્રશેખર તરફથી ભેટ મળી હતી.
ફતેહીના નિવેદનો 13 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબર, 2021ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે તેને ચંદ્રશેખર અને તેની પત્ની અને અભિનેત્રી લીના પૌલોઝ તરફથી ભેટ મળી છે.