ભરૂચ કોંગ્રેસનું જહાજ ડૂબવા લાગ્યું !અંદરો અંદર પડી ફૂટ,જોલવા ગામેજ 40 આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા ? તે શું સૂચવે છે ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ નબળી પડી રહી છે.
જેનું તાજું ઉદાહરણ ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાંજ કોંગ્રેસ સામે નારાજગી સામે આવી છે અહીં તાજેતરમાંજ 40 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિ માં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
આ વાત ઘણું બધું કહી જાય છે અને જ્યાં દિવા તળે જ અંધારું હોય ત્યાં બીજે શુ ધાડ મરવાના જેવો ઘાટ સર્જાયો છે.
ભરૂચ જિલ્લામાં સત્તા અને હોદ્દાની લાલચમાં કોંગ્રેસ તૂટી ચુકી છે અને કોંગ્રેસના આગેવાનો એક બીજાના વિરોધી બન્યા છે,કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા ઉભી થઇ છે.
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ પરિમલ રણા વિરુધ્ધ માહોલ ઉભો થયો છે અને તેઓ ભાજપને આડકતરી મદદ કરતા હોવાના પણ અક્ષેપો લાગ્યા છે અને એટલેજ જેતે વખતે જ ભરૂચ જીલ્લા માં પરિમલસિંહ રાણા ને રિપીટ કરાતા માત્ર ચાર કલાકમા જીલ્લા કિસાન સેલના પ્રમુખ યાકુબ ગુરજી એ પોતાનું રાજીનામું પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા ને મોકલી આપ્યુ હતું અને ત્યારબાદ ૪૨ જેટલા રાજીનામા પડ્યા હતા.
અહીં કંટાળેલા આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં જ નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસની ટાંટિયા ખેંચની રમતથી નારાજ કોંગ્રેસના 40 આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપને અપનાવતા હવે ભરૂચ કોંગ્રેસ તૂટવાના આરે પહોંચી છે અને જહાજ ચૂંટણીઓ પહેલાજ ડૂબવા લાગ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.