મહેસાણાઃ ઉત્તરાયણના પર્વ બાદ રસ્તાઓ અને અગાશીઓ પર પડેલાં દોરીનાં ગૂંચળાં પશુ-પંખીઓ માટે જીવલેણ સાબિત થતાં હોય છે. ત્યારે મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ સમસ્યાના ઉકેલ માટે એક પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો છે. તેમણે શહેરભરથી અંદાજે 800 કિલો જેટલી વેસ્ટ દોરીની ખરીદી કરી તેનું એકત્રીકરણ કર્યું છે. વિશેષ વાત એ છે કે, લોકો આ દોરી રસ્તા પર ન ફેંકે તે માટે તેમણે રૂ. 150 પ્રતિ કિલોના ભાવે આ વેસ્ટ દોરીની ખરીદી કરી હતી.
આ એકત્રિત થયેલી દોરીનો જથ્થો વિધિવત્ રીતે મહેસાણા મહાનગરપાલિકાને સોંપાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, ધારાસભ્ય મૂકેશ પટેલ, અમૂલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ મનપા કમિશનર રવીન્દ્ર ખતાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે
સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ બાદ ઠેરઠેર પડેલી દોરી પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે નુકસાનકારક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશને સાર્થક કરવાના હેતુથી આ સતત બીજા વર્ષે આ પ્રયોગ કરાયો છે. આ વર્ષે 800 કિલોથી વધુ દોરી એકઠી થઈ છે. જેમાં મોટો જથ્થો પ્રતિબંધિત ચાઇના દોરીનો છે.
મહેસાણામાં જીવદયા અને સ્વચ્છતાનો અનોખો સંગમ સાંસદ મયંક નાયકે 800 કિલો વેસ્ટ દોરી ખરીદી મનપાને સોંપી