જૂનાગઢઃ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસ્લમ ઉર્ફે લાલો અને તેમના સાગરીતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાઇબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. ખાસ કરીને રૂ. 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસ્લમ કુરેશી સહિત બેની ભૂમિકા ખૂલતાં પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
ભાજપ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સામે ગુજસીટોક
જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને રાજકીય વગ ધરાવતા કુરેશી ભાઈઓ સામે પોલીસે ગાળિયો કસ્યો છે. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ તથા પૂર્વ કોર્પોરેટર અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ કુરેશી સહિત કુલ 4 શખ્સ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. જેમાં કરીમ સીડા અને સેબાઝ કુરેશીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે, જેમાં ભાજપના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણના આ કડક કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ હોય. આ ગેંગ વિરુદ્ધ અગાઉ અનેક ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી