અમદાવાદઃ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીએ રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલે ઇમર્જન્સી સેવા 108ને તેની પત્ની રાજેશ્વરીને અકસ્માતે ગોળી વાગી હોવાનો કોલ કર્યો હતો. આ કોલના પગલે ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે રાજેશ્વરીને મૃત જાહેર કરતાં યશરાજે તેની પાસેથી રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
યશરાજસિંહ અને રાજેશ્વરીનાં 2 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી જમવા માટે એક સબંધીના ઘરે ગયું હતું, જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરના અન્ય રૂમમાં યશરાજનાં 60 વર્ષીય માતા હાજર હતાં.
મોત અંગે બે થિયરી
રાજેશ્વરીને ગોળી વાગવાની ઘટનામાં કોંગ્રેસ આગેવાનો અને સ્થાનિકો દ્વારા બે થિયરી રજૂ કરવામાં આવી રહી છે. એક થિયરી મુજબ યશરાજસિંહ રિવોલ્વર આંગળીમાં રાખી ફેરવી રહ્યો હતો, ત્યારે અકસ્માતે ગોળી છૂટી અને રાજેશ્વરીને તે વાગી. જ્યારે બીજી થિયરી મુજબ બંને બહારથી આવ્યા બાદ ઝઘડો થયો હતો અને તે બાદ રાજેશ્વરીને ગોળી વાગી હતી.