ચંડીસર GIDC માં ગેરકાયદેસર ઘી ઉત્પાદન નો પર્દાફાશ, રૂપિયા 24 લાખનો જથ્થો જપ્ત કરાયો..
પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચંડીસર જી.આઇ.ડી.સી.માં ગેરકાયદેસર ઘી ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, બાતમીના આધારે પ્લોટ નંબર 101 ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ થતું હોવાની તપાસ હાથ ધરવામાં આવી હતી..
ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલ ના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર સહિત ની ટીમે આ કાર્યવાહી કરી હતી, પ્રાથમિક તપાસમાં ભાવેશ કુમાર અશોકભાઇ ચોખાવાલા દ્વારા કોઈપણ કાયદેસર પરવાનગી વિના આ વ્યવસાય ચલાવવામાં આવતો હોવાનું જણાયું હતું..
પેઢીના જવાબદારો હાજર ન રહેતા, જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 હેઠળ પેઢીને સીલ કરવામાં આવી હતી, ત્યારબાદ સરકારી પંચો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી..
તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી, પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય ભેળસેળ યુક્ત પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો હતો..
કુલ 09 નમૂનાઓ લઈ સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે, આ કાર્યવાહીમાં અંદાજિત રૂપિયા 24,09,967- કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે..
વધુમાં, પેઢીમાંથી એક્સપાયરી ડેટનું ઘી તથા “ઘુમર” નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી જુદા જુદા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું પણ બહાર આવ્યું છે, આ સમગ્ર મામલે જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું..