રાજકોટમાં હોસ્પિટલ બનાવવા બચતના રૂ.1000 આપી કેન્સરગ્રસ્ત દીકરીએ અંતિમ લીધા શ્વાસ
કેન્સરગ્રસ્ત દીકરીની છેલ્લી ચિઠ્ઠીએ માતા-પિતાને રડાવ્યાં:
ખભા પરની ઝેરી ગાંઠે તરુણીનું છીનવ્યું જીવન,
‘મારી ઈચ્છા છે કે મારી બચતમાંથી અશ્વિનભાઈ સોલંકી જે પેલેટિવ-કેર હોસ્પિટલ બનાવે છે એમાં 1000 રૂપિયા હું આપીશ અને બચત પ્રમાણે આપતી રહીશ...’ આ શબ્દો છે રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશનની સભ્ય અને ખભામાં કેન્સરની ગાંઠને લીધે મૃત્યુ પામેલી ક્રિષ્ના અબાસાણિયાના. જન્મનાં 14 વર્ષ બાદ આ દીકરીને જમણા ખભામાં કેન્સરની ઝેરી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. દીકરી કેન્સરના ચોથા સ્ટેજમાં હતી અને તબીબોએ કહ્યું હતું કે તેના બચવાના કોઈ ચાન્સ નથી. તેમ છતાં પણ મજૂરીકામ કરતા પિતાએ દીકરીને સાજી કરવા માટે હોસ્પિટલમાં સાડાચાર લાખનો ખર્ચ કર્યો. છેલ્લે નાણા ખૂંટી જતાં શહેરના કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પરિવારને આર્થિક સહાય કરવામાં આવી. આમ છતાં પણ દીકરીનું સપ્ટેમ્બર, 2025માં મૃત્યુ થયું.