હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 24 કલાક બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી અને દરિયાકિનારે લગાવાયેલું LC3 સિગ્નલ પણ હટાવી લેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે અને સાંજે વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે. બપોરે તાપમાન ઊંચું રહેશે. અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે, પરંતુ એની અસર હજુ રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહી છે.
હવામાન વિભાગની બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. 3 નવેમ્બરને સોમવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ 56 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઈંચ, ત્યાર બાદ ભાવનગરના ઘોઘામાં 1.3 ઈંચ અને મહેસાણા-વડોદરામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો હિંમતનગરમાં 1 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
ahemedabad :ગુજરાતમાં વરસાદની આજે પણ આગાહી.