પાલનપુર કલેકટર કચેરી ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ..

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલે બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમયે થયેલા કમોસમી વરસાદ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી, તેમણે કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તેના આંકડા પણ પૂરા પાડ્યા હતા..

મંત્રી પ્રવીણ માળીએ ખેતીવાડી વિભાગ ના અધિકારીઓ ને કમોસમી વરસાદથી થયેલા નુકસાન નો સંપૂર્ણ સર્વે તાત્કાલિક હાથ ધરવા સૂચન કર્યું હતું, તેમણે જણાવ્યું કે, ગ્રામ સેવકો ઉપરાંત અન્ય સ્ટાફની મદદ થી ખેડૂતોને થયેલા નુકસાન અંગેના ડેટા એકત્રિત કરવામાં આવશે, સર્વે માટે સેટેલાઇટ મેપિંગ સહિત ની આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને ક્લસ્ટર દીઠ કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો..

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતો ના હિત માટે સંવેદનશીલ છે. તેમણે ખેતીવાડી વિભાગ ને ખેડૂતો માટે ત્વરિત હેલ્પલાઇન નંબર શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, તેમણે ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા રિચાર્જ કુવા સ્ટ્રક્ચર ની પ્રશંસા કરી હતી, કારણ કે કમોસમી વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં તે મદદરૂપ થયા હતા..

આ બેઠક દરમિયાન, મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આગામી 100 દિવસમાં હાથ ધરવામાં આવનારી કામગીરી નો રોડમેપ તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરી હતી, તેમણે જળવાયુ પરિવર્તન સામે વૃક્ષારોપણ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરો અભિયાન ને સફળ બનાવવા માટે પણ આહ્વાન કર્યું હતું, બેઠકમાં ઈ.ચા. જિલ્લા કલેક્ટર એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..