બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'રાજા ટકલા' ગેંગ ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે, આ ધરપકડ થી 16 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં 12 ઘરફોડ ચોરીના તેમજ 4 વાહન ચોરીના ગુનાનો સમાવેશ થાય છે..
પોલીસ ને સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે, ચોરીના બનાવોમાં ત્રણથી ચાર ઇસમો સંડોવાયેલા હતા જેમનું વર્ણન એકસરખું હતું. ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે, એલસીબી બનાસકાંઠા ની ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આયોજન બદ્ધ તપાસ હાથ ધરી હતી..
વિસ્તૃત તપાસના અંતે, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં અમદાવાદ ની 'રાજા ટકલા' ગેંગ સંડોવાયેલી હોવાનું જણાઈ આવ્યું હતું, જોકે, ગેંગના સભ્યોના ચોક્કસ નામ-સરનામા અને અન્ય વિગતો ઉપલબ્ધ ન હોવાથી, ટીમોએ 500 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓ ના વર્ણનના આધારે તેમના પૂરા નામ મેળવ્યા હતા..
આરોપીઓ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં હંગામી ધોરણે રહેતા હોવાથી તેમને શોધવામાં મુશ્કેલી પડી હતી..
પાલનપુર એલસીબી ની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક એક્ટિવા અને એક મોટર સાયકલ પર સવાર ત્રણ ઇસમોને પકડ્યા હતા, તેમની પાસેથી મળી આવેલા વાહનો ના કાગળો ન હોવાથી 'પોકેટ કોપ' દ્વારા તપાસ કરતા બંને વાહનો ચોરીના હોવાનું જણાયું હતું, તેમના કબજા માંથી ચાંદીના અલગ-અલગ સાઈઝ ના 15 સિક્કા પણ મળી આવ્યા હતા, જેના કોઈ આધાર-પુરાવા ન હોવાથી તે પણ ચોરીના હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગ્યું હતું..
ઝડપાયેલા આરોપીઓ માં (1) અનિલ ઉર્ફે કાળીયો પુરબીયા, (2) રાજા ઉર્ફે ટકલો મુન્નાભાઈ સતલુભાઈ કેવટ અને (3) પિન્ટુ ઉર્ફે રાહુલ મોતીભાઈ સોમાભાઈ અહારીનો સમાવેશ થાય છે..
તેમની પાસેથી કુલ રૂપિયા 1,19,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક એક્ટિવા, એક મોટરસાયકલ, ત્રણ મોબાઈલ, બે ડિસમિસ, એક લોખંડનું પકડ, એક લાકડાના હાથાવાળો હથોડો, એક લોખંડ કાપવાની હેક્સોબ્લેડ, એક લોખંડનું પતરું કાપવાની કાતર અને 15 ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે..
તેમની સઘન પૂછપરછ માં તેમના અન્ય સાગરીત જીવા અહારી (મીણા) દ્વારા પણ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે..