ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિની લાંબી રાહ જોયા બાદ પક્ષના પીઢ નેતા તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોપાયા બાદ આજે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોય મહાનગર-જીલ્લા તથા મોરબી જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગતની તૈયારી છે અને બાદમાં કાર તથા સ્કુટર રેલી મારફત પ્રદેશ પ્રમુખને હીરાસર વિમાની મથકેની ભવ્ય સરધસરૂપે રેસકોર્ષ મેદાન લઇ જવાશે. વિશ્વકર્માને આવકારવા માટે મહાનગર તથા રાજકોટ-મોરબી જીલ્લા ભાજપના હજારો કાર્યકરો-નેતાઓ ઉમટી પડયા છે તથા રૈલીના રૂટમાં ઠેરઠેર હોર્ડીંગ્સ ભાજપના ધ્વજથી શણગાર કરાયો હતો. રેસકોર્ષ મેદાનમાં ખાસ ઉભા કરાયેલા મંચ પર શ્રી વિશ્વકર્માનું વિવિધ સમુદાય તથા સમાજ તરફથી સ્વાગત કરાશે.
શ્રી વિશ્વકર્મા નિયત સમયે 5.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચનાર છે. જયાંથી રાજકોટ-મોરબી જીલ્લા ભાજપના કાર્યકર્તાઓ 200થી વધુ કાર રેલી સાથે તેઓને ગ્રીનલેન્ડ ચોકડી સુધી આવશે. બાદમાં રાજકોટ યુવા ભાજપના 2000થી વધુ કાર્યકરો બાઇક રેલી મારફત પક્ષ પ્રમુખના કાફલાને રેસકોર્ષ મેદાન લઇ જશે. શ્રી વિશ્વકર્મા બાદમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે.