પાવીજેતપુર તાલુકા મથકે નવીન બસ્ટેન્ડ માટે જમીન ફાળવણીની છોટાઉદેપુર કલેક્ટરે ઓનલાઈન કરી દરખાસ્ત
પાવીજેતપુર તાલુકામાં નવીન બસ સ્ટેન્ડ માટે છોટાઉદેપુરના કલેકટર દ્વારા જરૂરી દસ્તાવેજો અને પુરાવા સાથે જમીન ફાળવણી માટે ઓનલાઈન ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા મથકે નવીન બસ્ટેન્ડ બનાવવા માટે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહના સક્રિય પ્રયાસોથી સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા ની ભલામણો સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકા મથક હોય ત્યારે અત્યારસુધી બસ્ટેન્ડ જેવી તંત્રદ્વારા જરૂરિયાતભરી માળખાગત સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે હજારો લોકો દરરોજ અવરજવરમાં તકલીફનો સામનો કરી રહ્યા છે. તાલુકાના અંદાજિત ૧૫૨ જેટલા ગામો માટે મુખ્ય કેન્દ્ર બની રહેલા પાવીજેતપુરમાં બસ્ટેન્ડના નિર્માણ માટે સીટીસર્વે નં. ૩૩૪, ૩૩૯ થી ૩૪૬ ખસરા નંબર હેઠળ કુલ ૭૪૦૦ ચો.મી. અંદાજિત ૮૦ હજાર ફૂટ જેટલી જમીન ફાળવણીની દરખાસ્ત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી, છોટાઉદેપુર કચેરી દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો અને ચેકલિસ્ટ સાથે ઓનલાઇન દરખાસ્ત નં. CHU/0281/05/2025 તારીખ ૨૦ મે, ૨૦૨૫ ના રોજ મંજુર કરવા માટે રાજ્ય સરકારને મોકલવામાં આવી છે.
આ પહેલા અંદાજીત ૧.૫ કરોડના ખર્ચે APMC ની સામે રેલવે લાઈન અડીને આવેલ સીટી સર્વે નંબર ૩૩૩ વાળી માત્ર ૨૫૦૮ ચો.મી. વાળી નહીવત જગ્યામાં બનવાનું હતું અત્યન્ત ઓછી અને નજીવી સુવિધાયુક્ત નાનું પિકઅપ બસસ્ટેન્ડ બનનાર હતું. જેના સ્થાને જુના પોલીસ ક્વાટર્સ, સુદામા છાત્રાલય પાસે, નેશનલ હાઇવે રોડ અડીને આવેલ જગ્યામાં બસસ્ટેન્ડ બનાવવા માટે જમીન ફાળવણી કરવા માટે દરખાસ્ત કલેકટર દ્વારા કરવામાં આવી છે.
આ દરખાસ્ત હેઠળ "પાવીજેતપુર તાલુકા બસ્ટેન્ડ" માટે જરૂરી જમીન "ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ, વડોદરા"ને હસ્તાંતર કરવા માટે નાયબ સચિવશ્રી, મહેસુલ વિભાગ, ગાંધીનગરને પણ સુચના પાઠવવામાં આવી છે.જમીન ફાળવણી અંગેના નિર્ણયની રાહ જોઈ રહેલા સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ૨ લાખથી વધુની વસ્તી ધરાવતા તાલુકામાં જેમાં મુસાફરો, વેપારીઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓની અવરજવર સતત રહે છે, ત્યાં તાત્કાલિક ધોરણે આ સેવા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની ગઈ છે. તંત્ર તરફથી ઝડપથી કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.