મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબી

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવી સહિતના પોલીસ જવાનો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, મિરઝાપર પાસે આવેલા પરિશ્રમ કોમ્પેલેક્ષની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલ છે. 

ચોક્કસ અને મજબૂત સૂત્રોમાંથી મળેલ બાતમી અને હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી મિરઝાપર ખાતે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પરિશ્રમ બિલ્ડિંગ ની પાછળ આવેલા એક ગોડાઉનમાંથી ચોખાના બાચકા નંગ ૨૦૦ મળી આવેલ. આ ચોખાના સ્ટોક અંગે હાજર મળી આવેલ ઇસમને પૂછપરછ કરતા તેની પાસે આ ચોખા અંગે કોઇ બીલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવેલ પરંતુ તેણે કોઇ જ પ્રકારના આધાર પુરાવા રજુ કરેલ નહી. 

પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ બાબતે ભુજ શહેર મામલતદાર શર્મા તથા જિલ્લા પુરવઠા અધિકારી હાસમી તથા તેમની ટીમને સ્થાનીક જગ્યાએ યાદી આપી બોલાવેલ હતી. અને તેઓ દ્વારા આ તપાસ કરી સદર ગોડાઉન માં ચોખા ૧૦૩૩૫ કીલોગ્રામ કી. રૂા. ૨,૬૦,૯૫૯/- આધાર પુરાવા વિનાના મળી આવ્યા હતા. જેથી આ ગોદામને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.