પૂર્વ પટ્ટી વિસ્તારમાં દોડતી રેલ્વે ટ્રેનના રૂટો બદલી સમયમાં ફેરફાર કરી ડબ્બા વધારવાની જનતાની ઉઠેલી માંગ

           વડોદરાના પ્રતાપનગર થી છોટાઉદેપુર સુધી દિવસની ૧૦ ટ્રેનોની અવરજવર હોય પરંતુ સમય યોગ્ય ન હોવાના કારણે પૂર્વ પટ્ટી વિસ્તારની જનતા મહત્તમ લાભ લઈ શકતી નથી ત્યારે તંત્ર આ રૂટોમાં વધારો કરે, સમયમાં ફેરફાર કરે અને ટ્રેનમાં વધુ ડબ્બા ઉમેરે તો પૂર્વ પટ્ટી વિસ્તારની જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. 

           પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લો પાવીજેતપુર નજીક સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન તૂટી જવાના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશવાનો સીધો સંપર્ક માત્ર અને માત્ર હવે રેલ્વે ટ્રેન જ રહી છે. જેના કારણે સ્વાભાવિક રીતે જ પબ્લિકનો ઘસારો પણ ખૂબ વધી ગયો છે તેથી આ ટ્રેનોમાં વધુ ડબ્બા ઉમેરવામાં આવે તો લોકોને અનુકૂળ રહેશે તેમજ સવારે છોટાઉદેપુર તરફથી પાવીજેતપુર માં ૬:૩૦ ના ગાડી આવે છે ત્યાર પછી સીધી ૧૧:૦૦ વાગે આવે છે વચ્ચે કોઈજ ટ્રેન ન હોવાને કારણે બોડેલી, ડભોઇ, સંખેડા તરફ જનાર નોકરિયાત વર્ગને, અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓને તેમજ અન્ય જનતાને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, વચ્ચે ૯ ની આસપાસ એક ટ્રેન બોડેલી તરફ જાય એવું ગોઠવાય એ ખૂબ જરૂરી છે. તેવીજ રીતે ૩:૩૫ વાગ્યાનો અરસામાં બોડેલીથી પાવીજેતપુર તરફ ટ્રેન આવે છે ત્યાર પછી સીધી ૮:૦૦ વાગે ટ્રેન આવે છે તો એ વચ્ચે પણ ૫ ની આસપાસ એક ટ્રેન દોડાવવામાં આવે તો નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય જનતાને પણ ખૂબ જ લાભદાયી થઈ શકે તેમ છે. 

             એવી જ રીતે વડોદરા તરફથી આવતી ટ્રેન પાવીજેતપુરમાં ૯ : ૨૦ વાગે આવી જાય છે જે ખરેખર ૧૦:૦૦ ની આસપાસ પાવીજેતપુરમાં આવે તો સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તારમાં નોકરિયાત વર્ગ તેમજ ધંધાર્થે આવતા વેપારીઓને પણ ખૂબ જ અનુકૂળ રહે તેમ છે તેમજ સાંજે ૪:૦૦ વાગ્યાના અરસામાં પાવીજેતપુર થઈ એક ટ્રેન જતી હોય છે. ત્યાર પછી સીધી ૫:૪૦ એ ટ્રેન આવે છે તો તે સમય વચ્ચે પાંચની આસપાસ એક ટ્રેન દોડાવવામાં આવે તો નોકરિયાત વર્ગ તેમજ અપડાઉન કરનાર તમામ જનતાને અનુકૂળ રહે તેમ છે. 

            આમ, પાવીજેતપુર પંથકમાં દોડતી ટ્રેનોના રૂટો વધારવામાં આવે સમયમાં ફેરફાર કરવામાં આવે તેમજ ડબ્બા ઉમેરવામાં આવે તો પૂર્વ પટ્ટી વિસ્તારની જનતાને ખૂબ જ ઉપયોગી નિવડે તેમ છે. ટ્રેનના સમય એટલા અયોગ્ય છે કે ઘણીવાર કલાકો પહેલા રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી જવું પડે છે અને ટ્રેનની રાહ જોયા કરવી પડે છે તો તંત્ર આ અંગે વ્યવહારુ બની ઘટતું કરે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.