ડીસાના ખેડૂત પાસેથી ઉછીના નાણાં લઇ લાખણીના મંત્રીએ નાણાં પરત ન આપતાં તે પેટે આપેલો ચેક રીટર્ન થતાં ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે લાખણીના મંત્રીને એક વર્ષની કેદની સજા અને રૂ. 5,75,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના મારવાડી મોચીવાસ પાસે સ્મશાન રોડ નજીક રહેતાં જેઠુસિંહ ખુશાલસિંહ વાઘેલા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં લાખણી તાલુકાના નાના કાપરા ખાતે રહેતાં ખેંગારભાઇ મશરૂભાઇ રબારી (પરમાર) દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીની ડેરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

જેઓને મંડળીના કામે બેંકમાં રૂપિયાની જરૂર હોઇ તેમના મિત્ર લાલાભાઇ ધુડાભાઇ સોનીએ જેઠુસિંહ ખુશાલસિંહ વાઘેલાના ઘરની મુલાકાત કરી હતી. તેઓએ મિત્રતાના કારણે આરોપીને રૂ. 5,75,000 લાલાભાઇ અને વિક્રમભાઇની હાજરીમાં ઉછીના નાણાં આપ્યા હતા.

જે રકમની મુદ્દત પુરી થતાં આરોપી પાસે ઉઘરાણી કરતાં આરોપીએ સહી કરીને તા. 11/09/2018 ના રોજ રૂ. 5,75,000 નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-મોટા કાપરા શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-ડીસા શાખામાં ભરતાં સદરહું ચેક પરત ફરતાં ફરિયાદીએ આરોપીને ચેક પરત કર્યો હતો.

જે અંગે જણાવતાં આરોપીએ ફરિયાદીને કહ્યું કે, બે માસ પછી ચેક ખાતામાં ભરશો તો ખાતામાં બેલેન્સ કરાવી દઇશ. જેથી આરોપી પર વિશ્વાસ રાખી ફરિયાદીએ સદરહું ચેક ફરી વખત તા. 27/11/2018 ના રોજ ફરિયાદીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-ડીસા શાખામાં ખાતામાં ભરતાં સદરહું ચેક "પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર" ના શેરા સાથે પરત ફર્યો હતો.

જે અંગેની જાણ ફરિયાદીને બેંકે કરી હતી. જેથી આરોપીને નોટીસ ફટકારતાં આરોપીએ ફરિયાદીને પેમેન્ટ ચૂકવી આપ્યું ન હતું. જેથી ફરિયાદીએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો આરોપી સામે કેસ દાખલ કર્યો હતો. 

જે કેસ ચાલી જતાં ડીસા કોર્ટના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ યોગેશ નરેન્દ્રકુમાર પટેલે ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઇ વી. ગેલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. આરોપી ખેંગારભાઇ મશરૂભાઇ રબારી (પરમાર) ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને રૂ. 5,75,000 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.