બનાસકાંઠા એલસીબીએ ધાનેરા-ડીસા હાઈવે પર રમુણ ગામ પાસેથી મોટી કામગીરી કરી છે. પોલીસે ભુસાના કટ્ટા વચ્ચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે ટાટા ટ્રક નં. RJ-19-GF-4530માંથી કુલ 1234 પેટી અને 25,632 ટીન દારૂ-બિયર જપ્ત કર્યા છે. આ દારૂનો જથ્થો રૂ. 74.66 લાખની કિંમતનો છે. પોલીસે ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1 કરોડ 1 હજાર 882નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ટ્રક ચાલક ગોગારામ પ્રેમારામ જાટ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના જાટો કા બેરા ગામનો રહેવાસી છે. બીજો આરોપી ખલાસી ગુણેશારામ આયદાનરામ પ્રજાપતિ બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જેસાર ગામનો વતની છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કામગીરી કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.બી. રાજગોરની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે. આગથળા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.