આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી વડોદરા, ખેડા અને રાજકોટ શહેરમાં મક્કા મદીના ખાતે હજયાત્રા તેમજ ઉમરાહ કરવા મોકલવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાતના અલગ અલગ ત્રણ જિલ્લાના પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓમાં નાસતો ફરતો મુખ્ય આરોપી ખંભાત શહેર પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના તેમજ બહારના જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખંભાત શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.ચૌહાણે સર્વેલન્સ ટીમને ખાસ સૂચના આપી હતી. જેને લઇ ખંભાત સર્વેલન્સ ટીમ શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મક્કા મદીના ખાતે હજયાત્રા તેમજ ઉમરાહ કરવા મોકલવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન, ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી સોએબ ઈકબાલભાઈ રાણા ( રહે.બી.૧૦૬, હુસેની પાર્ક, બિસ્મિલ્લાહ પાર્ક પાસે, ગોરવા, વડોદરા) નાસતો ફરે છે.અને તે ખંભાત શહેરના રબારીવાડ ટેકરા પાસે મનુભાઈ રાણાના ઘરે આવ્યો છે.જેથી માહિતીને આધારે પોલીસની ટીમે નાસ્તા ફરતા મુખ્ય આરોપી સોએબ ઇકબાલભાઈ રાણાને ઝડપી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ - ખંભાત)