શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ યોજાયો
જીવદયા / પર્યાવરણ ક્ષેત્રે રૂા. ૧૯ લાખનું માતબર દાન
પક્ષીઓ માટે ૧૦૦૦ કુંડાનું વિતરણ
શ્રી સ્વામિનારાયણ ગાદીના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલના ત્રિદિવસીય દશાબ્દિ મહોત્સવે જીવદયા / પર્યાવરણ ક્ષેત્રે અત્યાર સુધી રૂા. ૧૯ લાખનું માતબર દાન ગ્રીન પ્લેનેટ - શ્રી મુક્તજીવન સ્વામીબાપા પર્યાવરણ સંસ્થાન, કલોલને કરવામાં આવ્યું છે. સંસ્થાન દ્વારા પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળામાં ૧૦૦૦ કુંડાનું પણ વિતરણ કરવામાં આવે છે, ઉપરાંત સંતવંદના, ભક્તિ સંગીત, વ્યસન મુક્તિ રેલી, વિવિધ ગ્રંથોની ધાર્મિક પારાયણો વિગેરે વૈવિધ્યસભર આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જયારે પર્યાવરણ સમસ્યા સળગી રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ઠેર ઠેર હજારો વૃક્ષોનું વાવેતર કરીને ઉમદા કાર્ય કર્યા છે, વૃક્ષ વેલીનું છેદન પણ ન કરવા અનુરોધ કર્યો છે.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યનું જીવન સત્સંગ , સંસ્કાર અને સદ્દગુણ સંપન્ન હોવું જોઈએ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અહેમદભાઈ પઠાણ, પ્રેસિડેન્ટ ગ્રીન પ્લેનેટ વિગેરે મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.