લાખણી તાલુકાના ટરૂવા ગામના વ્યક્તિએ બરોડા (દેના) ગુજરાત ગ્રામિણ બેંક લી.-લાખણીની શાખામાંથી લોન લઇ ભરપાઇ ન કરતાં અને તેમનું મરણ થતાં તેમના પુત્રએ પણ લોન ભરપાઇ ન કરતાં અને લોન ભરપાઇ માટે બેંકને આપેલ ચેક રીટર્ન થયો હતો. જેથી લાખણી જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે આરોપી સામે લોનની ભરપાઇ ન કરવા બદલ એક વર્ષની સાદી કેદ અને લોનની રકમ રૂ. 1,08,016 નો દંડ ભરવા અને દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના ટરૂવા ગામના કુંવરાજી હીરાજી ઠાકોરે લાખણી ખાતે આવેલી બરોડા (દેના) ગુજરાત ગ્રામિણ બેંક લી.-લાખણી શાખામાંથી તા. 17/05/2016 ના રોજ રૂ. 1,26,000 લોન લીધી હતી. જે બાદ તેમનું અવસાન થયું હતું. જે લોન લીધેલી તેની ભરપાઇ કરવા માટે તેમના પુત્ર હકમાજી કુંવરાજી ઠાકોરે તા. 30/07/2021 ના રોજ રૂ. 1,08,016 નો ચેક જમા કરાવ્યો હતો.
જે રકમ તેના બેંકના ખાતામાં ન હોઇ ચેક રીટર્ન કર્યો હતો. જેથી બરોડા (દેના) ગુજરાત ગ્રામિણ બેંક લી.-લાખણીના બ્રાન્ચ મેનેજર નરેન્દ્રકુમાર માળીએ લાખણી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ લાખણી જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઇ વી. ગેલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી.
જેથી લાખણી કોર્ટના ન્યાયાધીશ દિલીપગીરી જયંતિગીરી ગોસ્વામીએ આરોપી હકમાજી કુંવરાજી ઠાકોરને લોનની ભરપાઇ ન કરવા બદલ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદ અને લોનની રકમ રૂ. 1,08,016 નો દંડ ભરવા હુકમ કર્યો હતો. જ્યારે દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.