પોલીસ એ 'પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરતું જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૫૨ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પોલીસે પરત સોંપ્યા.

એસ.પી. ની આગેવાનીમાં 'તેરા તુજકો અર્પણ' સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા

'પોલીસ એ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ સાર્થક કરીને બતાવ્યું છે, અને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા ૫૨ જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની કવાયત હાથ ધરીને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાયા છે. જિલ્લા પોલીસવડા ની આગેવાનીમાં ગઈકાલે એસ.પી. કચેરીમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ પોલિક અધિકારીઓની હાજરીમાં તમામ મોબાઇલના મૂળ માલિકોને બોલાવીને મોબાઇલ ફોન સુપ્રત કરી દેવાયા હતા. 

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ શહેર જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટેની પોલીસ દ્વારા વિશેષથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી છેલ્લા બે થી અઢી મહિનાના સમયગાળા દરમિયાન આશરે ૫૨ જેટલા વ્યક્તિઓના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ફોન ખોવાઈ ગયા અથવા ગુમ થયા હોવા ની જાણકારી પોલીસ તંત્રને મળી હતી.

 જે તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત મળી જાય, તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવા માટે અલગ અલગ ટુકડીને કાર્યરત કરવામાં આવી હતી.

 જેના અનુસંધાને જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝનના નિકુંજસિંહ ચાવડા અને તેઓની અલગ અલગ પોલીસ ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગુજરાત સરકારના વિશેષ પ્રકારના સોફ્ટવેર ની મદદ લઈને સમગ્ર મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી, અને તેની ઝીણવટભરી તપાસ કર્યા બાદ આખરે આવા કુલ ૫૨ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.

 અંદાજે ૬ લાખથી લઈને ૮ લાખ સુધીની કિંમતના કુલ ૫૨ નંગ મોબાઈલ ફોન કે જે જામનગર શહેર અથવા તો અન્ય વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં પહોંચી ગયા હોય, તે તમામ મોબાઇલ ફોન ને જામનગર પરત મંગાવી લેવામાં આવ્યા હતા.

 જેની સંપૂર્ણ યાદી તૈયાર કરી આજે જામનગરના જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં 'તેરા તુજકો અર્પણ' શીર્ષક હેઠળનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ચલાવતા આ કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા પ્રજાજનો ને તેનો મુદામાલ પરત મળી જાય તે માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે, તેના ભાગરૂપે જામનગરના એસ.પી. પ્રેમસુ:ખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, લાલપુરના એએસપી શ્રી પ્રતિભા, તેમજ સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા વગેરેની આગેવાનીમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 જે કાર્યક્રમમાં જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિતના કુલ ૫૩ વ્યક્તિઓ, કે જેઓના મોબાઇલ ફોન ગુમ થયા હતા, તે તમામને બોલાવાયા હતા, અને પ્રત્યેક મોબાઈલ ધારકોને ખરાઈ કરીને તેઓનો ગુમ થયેલો મોબાઈલફોન પર ત સોંપી દઈ 'પોલીસ એ પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કર્યું હતું.

 આ સમગ્ર કાર્યવાહીને લઈને તમામ લાભાર્થીઓએ પણ આનંદ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જામનગર પોલીસ વિભાગ નો વિશેષ રૂપે આભાર વ્યક્ત કર્યો હતો.