કાંકરેજ તાલુકાના જામપુર પાસેની નર્મદા કેનાલમાં બુધવારે રાધનપુર તાલુકાના ડામરકા ગામની યુવતીએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. તેણીએ આપઘાત કરતાં પહેલાં પરિવારજનોને વોટ્સએપ મેસેજ કર્યા હતા. તેમજ તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ ત્રણ યુવક-યુવતીઓના ત્રાસથી અંતિમ પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ અંગે શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કાંકરેજ તાલુકાના જામપુર પાસેની નર્મદા કેનાલમાં બુધવારે રાધનપુર તાલુકાના ડામરકા ગામની ફૂલવતી ઈશ્વરભાઇ માજીરાણા (ઉં.વ.આ.24)એ છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓને બોલાવી હોડી મારફતે કલાકોની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી શિહોરી પોલીસની ટીમે તપાસ કરતાં તેણીનો મોબાઇલ ફોન અને સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં આપઘાત કરતાં પહેલાં યુવતીએ તેના પરિવારને વોટસએપ મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું હતુ.જેમાં સુરેશ અને સેજલના કારણે આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે. દરમિયાન તેણીનો મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડાયો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે મૃતક યુવતીના કાકા કરશનભાઇ માજીરાણાએ જણાવ્યું હતું કે, મારી ભત્રીજી કોલેજ કરતી હતી. જેને સુરેશ અને સેજલ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. તેમજ કુટુંબી એક શખ્સ તેણીને વારંવાર માર મારતો હતો. સ્યુસાઇડ નોટમાં બધાનો ઉલ્લેખ છે.વોટસએપ મેસેજ પણ કર્યા છે. જેના આધારે પોલીસ તપાસ કરે અને ગુનેગારોને સજા અપાવે તેવી માંગ છે.