ડીસા તાલુકાના સદરપુરનો એક યુવક પગપાળા જતો હતો ત્યારે ટ્રકની ટક્કર વાગતાં મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. જેનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ડીસા તાલુકાના સદરપુર ગામના સાગરભાઇ લેબાભાઇ નાઇ બુધવારે લુણપુર બસ સ્ટેન્ડ પાસે ચાલતા જતા હતા. તે દરમિયાન ટ્રક નં. જીજે-10-એક્સ- 8768 ના ચાલકે ટ્રક હંકારી સાગરભાઇને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 દ્વારા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરભાઇનું મોત નિપજ્યું હતું.
ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. મૃતકના કાકા વિષ્ણુભાઇ કાનાભાઇ નાઇએ શુક્રવારે ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે