બનાસકાંઠા જીલ્લામાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શનિવારની મોડી રાત્રે ડીસા ભીલડી હાઇવે ઉપર આવેલા વડાવળ ગામ નજીકના નાળાના બ્રિજ પર જઇ રહેલ બાઇકમાં કોઇ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, શનિવારે મોડી રાત્રે ડીસા ખાતે ફાઇનાન્સમાં સર્વિસ કરતાં નગીનભાઇ બાબુભાઇ પટેલ (ઉં.વ.આ. ૪૨, મુ. દોલગઢ, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા, હાલ રહે. બલોધર તા. ડીસા) જેમની પત્ની ડીસા તાલુકાના બલોધર ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. ત્યારે શનિવારે મોડી રાત્રે ડીસાથી ભીલડી બલોધર તરફ જઇ રહ્યા હતા.ત્યારે વડાવળ ગામ નજીકના નાળાના બ્રિજ પર અગમ્ય કારણોસર બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા તેમજ હાઇવે ઓથોરીટીની ટીમ અને ૧૦૮ વાન એમ્બ્યુલન્સ પણ સ્થળ પર આવી તપાસ કરતાં બાઇક સવાર પણ બાઇક સાથે આગમાં હોમાઇ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાઇક ચાલકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ બનાવ અંગે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.