કાંકરેજ તાલુકાના પાદરડી ગામના દિયર-ભાભી ગુરૂવારે સાંજે ઘરેથી બાઇક ઉપર નીકળી ગયા હતા. જેમણે દાંતીવાડા ડેમ નજીક ઝાડ ઉપર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દિયર-ભાભીએ આપઘાત કરતાં અગાઉ ઇન્ટાગ્રામ પર વિડીયો બનાવી અપલોડ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતી પરિણીત હતી. તેને બે સંતાનો છે. જેના મોતથી બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

કાંકરેજ તાલુકાના પાદરડી ગામે રહેતો અપરણિત દિયર અને પરણિત ભાભી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જેઓ ગુરૂવારે સાંજે બાઇક નં.જીજે-08-સીએચ-9903 ઉપર ઘરેથી નીકળી ગયા હતા અને દાંતીવાડા ડેમ નજીક લીમડાના ઝાડ ઉપર સાડીથી બંને જણાંએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું.

તે દરમિયાન દાંતીવાડા પી.આઇ. કે. ડી. બારોટે ટીમ સાથે જઇ તપાસ કરી હતી. જ્યાં મૃતકોના આધારકાર્ડ મળી આવ્યા હતા. ઘટનાસ્થળે બાઇક પણ મળી આવ્યું હતું. બંનેના મૃતદેહ પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.