બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ખુણિયા ગામ નજીક ગુરૂવારે રાજસ્થાનની એસ.ટી. બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં પતિ-પત્ની અને 2 સંતાન સામેલ છે. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 15 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે. જ્યારે લાશોને બહાર કાઢવા માટે બોલેરોના પતરાં તોડાયા હતા અને જે.સી.બી.ની મદદ લેવાઇ હતી.
આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ. કે. પરમારે જણાવ્યું હતું કે, મૃતકમાં 2 મહીલા, 2 બાળક અને એક પુરૂષ સામેલ છે. કુલ મળી 5 વ્યક્તિઓના મોત થયા છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના વતની છે.
કમનસીબ મૃતકોમાં કોણ-કોણ ?
દિલીપ મુંગળા ખોખરીયા (ઉં.વ. આ. 32)
મેવલીબેન દિલીપભાઇ ખોખરીયા (ઉં.વ. આ. 28)
રોહીત દિલીપભાઇ ખોખરીયા (ઉં.વ. આ. 6)
ઋત્વિક દિલીપભાઇ ખોખરીયા (ઉં.વ.આ. 3)
સુંદરીબેન ભગાભાઇ સોલંકી (ઉં.વ.આ. 60)
આ અંગે પાલનપુર જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક એસ. ટી. બસ અને બોલેરોનો અકસ્માત થયેલો છે અને અકસ્માતની અંદર આશરે પાંચેક વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા છે અને બાકીના 15 એક જણા ઇજાગ્રસ્ત થયેલા છે. એમાંથી 10 દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે. એમાંથી બે બાળકો બહુ જ ગંભીર હાલતમાં છે. એમાંથી એક બાળકને વેન્ટિલેટર લીધું છે. બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઇન્જરી થયેલી છે. આમ ત્રણ બાળકો થોડા ગંભીર છે. બાકી બીજા બધા દર્દીઓને કોઇને માથામાં વાગેલું છે, કોઇને પગ ઉપર વાગેલું છે.
બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જે.સી.બી. મશીનની મદદ લેવાઇ હતી. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પી.એમ. માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફીક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડેપગે થઇ હતી.
અમીરગઢ પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 5 લોકોના મોત નિપજ્યા છે અને મૃતકોની ઓળખ કરી છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
આ અંગે અમીરગઢ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજયા છે અને અન્ય લોકોને ઇજાઓ પહોંચી છે. હાઇવે પર ટ્રાફીક વ્યવસ્થિત કરવા માટે પોલીસ સતત કાર્યરત છે.'