ડીસાના વેલુનગરમાં થૂંકવા બાબત જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે ઇજાગ્રસ્તના પાર્લરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. 

ડીસાના વેલુનગર વિસ્તારમાં ખાનગી પાર્લર આગળ થૂંકવા મામલે સામાન્ય બોલાચાલીમાં ઝઘડો સર્જાયો હતો. મિલન રાજપૂત પાર્લર આગળ થૂંકતાં પાર્લરના માલિક જેકી મોદીએ થૂંકવાની ના પાડતાં સામાન્ય બોલાચાલી બાદ મિલન રાજપૂતે તેના મિત્રોને ભેગા કરી જેકી મોદી નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો.

જે હુમલામાં જેકી મોદીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાર્લરની અંદર તપાસ કરતાં રૂ.૧૬,૭૭૫ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસે દારૂને કબજે કરી જીતેન્દ્ર ઉર્ફે જેકી ઓમપ્રકાશ મોદી (રહે.ગાયત્રીનગર, ડીસા) વાળા સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે, આ મારામારીમાં ચિરાગ હસમુખભાઇ રાજપૂતે પણ સામાન્ય બાબતમાં હુમલો કરી ધોકા વડે માર માર્યો જે બાબતની ફરિયાદ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જેકી ઓમપ્રકાશ મોદી સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાવી હતી. ડીસાના વેલુનગરમાં આ પાર્લર ઉપર જેકી મોદી દ્વારા વર્ષોથી દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ અનેક વખત આ પાર્લર ઉપર મારામારી અને બબાલ થઇ ચૂકી છે. પોલીસે સતર્ક રહી દારૂ વેચનાર જેકી મોદી સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવું લોકોનું કહેવું છે.