બનાસકાંઠા જીલ્લાના ડીસા અને પાટણ જીલ્લાને જોડતાં સ્ટેટ હાઇવે પર આવેલા જૂનાડીસા રેલ્વે ફાટક પર રૂ. 104 કરોડના ખર્ચે ફોર-લેન બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે. આ બ્રિજના નિર્માણથી આજુબાજુના 150 થી વધુ ગામોના લોકોને મોટી રાહત મળશે.
રેલ્વે ટ્રેક પર રોજ પેસેન્જર અને માલવાહક ટ્રેનોની અવર-જવરને કારણે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી. ઇમરજન્સી સમયે પણ આ ફાટક મુશ્કેલી રૂપ બનતી હતી, જેના કારણે કેટલાંક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
વર્ષોથી વિવિધ સાંસદો જેવા કે હરિસિંહ ચાવડા, હરિભાઇ ચૌધરી, લીલાધર વાઘેલા અને પરબત પટેલ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડીયા અને ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળીની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
નવો બ્રિજ ભોપાનગરથી જૂનાડીસા તરફ ઉતરશે. પશ્ચિમ રેલ્વે વિભાગે મંજૂરી આપી દીધી છે અને સ્ટેટ હાઇવે વિભાગ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરશે. આ બ્રિજના નિર્માણથી વાહનચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી મુક્તિ મળશે અને આજુબાજુના ગામોના લોકોની અવર-જવર સરળ બનશે.