ડીસા તાલુકાના ઝેરડા નજીક રવિવારે બાઇકમાં પેટ્રોલ પુરાવી હાઇવે ઉપર પસાર થઇ રહેલા ત્રણ યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવકોને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસા તાલુકાના ઝેરડાથી પમરૂ માર્ગ ઉપર રવિવારે બાઇક નં. જીજે-08-સીએ-0576 માં પેટ્રોલ પુરાવી દાંતીવાડા તાલુકાના વાઘરોળના હરેશભાઇ દિનેશભાઇ છત્રાલીયા (ઉં.વ.આ. 20) ડીસાના જાવલના શૈલેષભાઇ મણાભાઇ સોલંકી (ઉં.વ.આ. 21) અને દાંતીવાડા તાલુકાના વાઘરોળના દિપકભાઇ રમેશભાઇ છત્રાલીયા (ઉં.વ.આ. 20) હાઇવે ઉપર પસાર થઇ રહ્યા હતા.

ત્યારે પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં દિપકભાઇ છત્રાલીયાનું મોત નિપજ્યું હતું. આ અંગે ભુરાભાઇ દરગાભાઇ ડાભીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.