થરાદ તાલુકાના વેદલા નજીક બે આખલા ઝઘડતાં હોઇ પુત્રને લઇને જતાં પિતાએ બાઇક ઉભુ રાખ્યું હતું. તે દરમિયાન એક આખલાએ બાઇક ચાલકના પેટમાં શિંગડું ઘૂસાડી દીધુ હતુ. જ્યાં પુત્રની નજર સામે જ પિતાનું કમકમાટીભર્યુ મોત થયું હતું.

થરાદ તાલુકાના કુંભારા ગામે ભાગીયા તરીકે રહેતા અજમલભાઈ ઈશ્વરભાઈ પરમાર (ઉં.વ. 46) ગુરૂવારે તેમના પુત્રને મુકવા અને ઘરકામ માટે થરાદ આવી રહ્યા હતા. ત્યારે વેદલા ગામ નજીક બે આખલા ઝઘડતા હતા. આથી અજમલભાઇએ ત્યાં બાઇક ઉભુ રાખ્યું હતુ.

તે દરમિયાન ઝઘડી રહેલા બે આખલા પૈકી એક આખલો તેમની તરફ દોડી આવ્યો હતો. અને હુમલો કરી અજમલભાઇના પેટમાં શિંગડું ઘૂસાડી દીધુ હતું. જેઓ લોહી લુહાણ હાલતમાં નીચે ફસડાઇ પડ્યા હતા. જ્યાં દોડી આવેલા આજુબાજુના લોકોએ ત્વરિત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેમના મૃતદેહનું પી.એમ. કરી વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો.

બનાસકાંઠામાં જાહેર માર્ગો ઉપર રખડતાં આખલા સહિતના પશુઓને પકડવા માટે તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરાતી નથી. તંત્રની ગંભીર નિષ્કાળજીના કારણે 10 દિવસ અગાઉ દાંતીવાડા નજીક ખેડૂતે આખલાની ટક્કરે જીવ ખોયો હતો. જ્યારે ગુરૂવારે વધુ એક યુવકનું મોત થયું હતું.

આખલાના શિંગડાથી મોતને ભેટેલા અજમલભાઇ મુળ ડીસા તાલુકાના બલોધર ગામના વતની હતા. જેઓ છેલ્લા 12 માસથી થરાદ તાલુકાના વેદલા ગામે ભાગીયા તરીકે રહેતા હતા. તેમના મોતથી ત્રણ દીકરી અને બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.