દાંતીવાડાના ડાંગીયા ગામ નજીક સોમવારે કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ઉપર સવાર પતિ- પત્નીને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજયું હતું. કાર ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે.
દાંતીવાડા ડાંગીયા ગામે રહેતાં રાજેન્દ્રકુમાર ભાનુપ્રસાદ જોષી (55) અને તેમના પત્ની મંજુલાબેન (52) બાઇક લઈ સોમવારે સવારે ખેતરથી શિકરીયા ગામે બેસણામાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ચંડીસર-દાંતીવાડા હાઇવે ઉપર ડાંગીયા નજીક પૂરઝડપે આવતી કારના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી.
જેમાં પતિ-પત્ની બાઇક પરથી નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે રાજેન્દ્રકુમાર જોષી અને મંજુલાબેનનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. અકસ્માતના પગલે દાંતીવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે. જોકે, મોડે સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.