ડીસાના ભોયણ નજીક બુધવારે રાત્રે પાલનપુર તરફ આવી રહેલા બાઇક ચાલકને ટ્રેલર ચાલકે સાઇડથી ટક્કર મારતાં બાઇક ચાલક નીચે પડતાં ટ્રેલરના આગળના ભાગે આવી જતાં તેમનું મોત નિપજ્યું હતું. ટ્રેલર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ટ્રેલર ચાલક સામે ડીસા તાલુકા પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ હતી.

મૂળ ઉદેપુર જિલ્લાના ગોગુંદા તાલુકાના પાદ્રાડાતાના બાબુલાલ સોહનલાલ સુથાર (ઉં.વ.27) હાલ વીડીપાર્ક ડીસામાં રહી ટાઇલ્સ માર્બલનું કામ કરતાં હતા. જેઓ બુધવારે સાંજે બાઇક નં. આરજે-27-એમએસ-4166 ઉપર કારીગર સોનુભાઇ મશરૂભાઇ લુહાર (ઉં.વ.23)ને લઇ પાલનપુર તરફ આવી રહ્યા હતા.

ત્યારે પાલનપુર-ડીસા હાઇવે ઉપર ભોયણ ગામમાં જવાના કટથી આગળ ટ્રેલર નં. જીજે-12-બીવી-8904 ના ચાલકે બાઇકને સાઇડથી ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલક બાબુલાલ જમણી બાજુ પડતાં ટ્રેલરના આગળના ટાયરમાં આવી જતાં રસ્તા ઉપર થોડે સુધી ઘસડાયા હતા. જેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે સાથે રહેલા સોનુભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી.

108 ને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી ગંભીર ઇજાગ્રસ્ત બાબુલાલને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ટક્કર મારી ટ્રેલર ચાલક નાસી ગયો હતો. આ અંગે સોનુભાઇ મશરૂભાઇ લુહારે ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.