વડગામ તાલુકાના નાનોસણા ગામે શનિવાર સાંજે કાર લઈ ચા લેવા ગયેલ યુવક પાસે બે બાઇક સવારો આવી કારના લોનના હપ્તા બાકી છે તેમ કહી કારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જેથી કાર માલીકની ફરિયાદના આધારે છાપી પોલીસે કાર તેમજ બાઇક સાથે બે શખસોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
વડગામના નાવીસણા ગામે કારની લૂંટ કરવામાં નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. ફાયનાન્સ કંપનીના હપ્તા બાકી છે તેમ કહી વાહન સિઝિંગમાં છે તેમ કહી કારની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ લોકો સતર્ક રહે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પાલનપુરના લક્ષ્મીચંદ શંકરલાલ પટેલે વડગામ તાલુકાના નાનોસણા ગામે ખેતીની જમીન રાખેલી હતી. જેનું લેવલિંગનું કામ કરવા માટે યોગેશભાઈ રમેશભાઈ તેમજ ડ્રાઇવરને શનિવાર સવારે જગ્યા ઉપર કાર લઈ મોકલ્યા હતા. દરમિયાન સાંજના સમયે નાનોસણા બસ સ્ટેન્ડ ઉપર આવેલ ચાની લારી ઉપર ચા લેવા યોગેશભાઈ ગયા હતા. તે દરમિયાન બાઇક ઉપર બે શખસો આવી કારની આસપાસ ફરી પૂછપરછ કરતા કહ્યું હતું કે, અમે માસ ફાયનાન્સમાંથી આવીએ છીએ. આ કાર સિઝિંગમાં છે અને કારના હપ્તા બાકી છે તેમ કહી કારની ચાવી લઈ લીધી હતી.
અને કહ્યું હતું કે ચાલો તમારા શેઠ જોડે જઈએ તેમ કહી યોગેશભાઈને કારમાંથી ઉતારી એક શખસ કાર ચલાવવા લાગ્યો હતો. જ્યારે યોગેશભાઈને બાઇક ઉપર બેસવા કહ્યું હતું પણ યોગેશભાઈ ચા લેવાનું કહેતા બાઇક ઉપરથી નીચે ઉતરતા બીજો યુવક બાઇક લઈ નાસી છૂટ્યો હતો.
કાર માલિકને સમગ્ર ઘટનાની જાણ થતાં છાપી પોલીસનો સંપર્ક કરતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, પોકો સુરેશભાઈ સહિતની ટીમ સતર્ક બની હ્યુમન સોર્શીસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કારની લૂંટ કરનાર બે શખસોને કાર તેમજ ગુનામાં વપરાયેલ બાઇક સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કારની લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
આરોપીઓના નામ
(૧) સાગર બાબુભાઇ ગટાર (રહે.નાવીસણા,તા.વડગામ)
(૨) રોહિતજી રમેશજી સોલંકી (રહે.વેસા,તા. વડગામ)