ડીસા શહેરમાં સર્વે નં.-59 ની જમીનમાં દાંતીવાડા સિંચાઈ યોજનાની કેનાલના સાઈફન પર દબાણ કરી સોસાયટી બનાવવાના વિવાદમાં સિંચાઈ વિભાગને આખરે જમીન અંગેની ફાઈલ મળતાં ડીએલઆર કચેરીમાં કાગળો રજૂ કરી તેની માપણી શીટના આધારે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું.

ડીસા નગરપાલિકા વિસ્તારમાં દાંતીવાડા સિંચાઈની હાલમાં બંધ પડેલ નહેર પર બાંધકામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ વિવાદમાં કેનાલની જગ્યા પર બાંધકામ થયું હોવા છતાં દાંતીવાડા સિંચાઈ વિભાગને પોતાનું દબાણ સાબિત કરવા જગ્યાના કાગળો અંગેની ફાઈલ મળતી ન હોવાથી કાર્યવાહી થઈ શકતી ન હતી. જોકે આ જગ્યાની બાજુમાં જ પોતાની જગ્યામાં દબાણ થયું હોવાથી તે જગ્યાના અરજદાર મહેશભાઈ પઢિયારે પોતાની રીતે છેક સુધી લડત ચલાવી ડીએલઆર કચેરી દ્વારા ફરીથી માપણી કરાવતા પોતાની જગ્યામાં બિલ્ડરોએ દબાણ કર્યું હોવાનું સાબિત થયું હતું.

જેથી સિંચાઈ વિભાગે અગાઉ ડીએલઆર કચેરીમાં પત્ર લખી ફરીથી સર્વે કરાય ત્યારે સિંચાઈ વિભાગને સાથે રાખીને સર્વે કરાવા જણાવ્યું હતું. પરંતુ સિંચાઈ વિભાગની જગ્યાના ઉતારા કે નોંધ અંગેની દસ્તાવેજી ફાઈલ મળતી ન હોવાથી કોઈ કાર્યવાહી થઈ શકતી ન હતી.જેથી સિંચાઈ વિભાગ બિલ્ડરોને બચાવતો હોવાની શંકા સેવાઈ રહી હતી.

ત્યારે આખરે સિંચાઈ વિભાગને સર્વે નં.-59 ની પોતાની જગ્યા અંગેની ફાઈલ મળી જતા હવે તેના આધારે દસ્તાવેજી કાગળો રજૂ કરી ડીએલઆર કચેરી પાસેથી નવી માપણી શીટ મંગાવી પોતાની જગ્યામાં થયેલા દબાણ અંગે રજૂઆતો કરી દબાણ દૂર કરી જમીન પરત મેળવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.