પાવીજેતપુર પોસ્ટ ઓફિસમાં અઠવાડિયાથી કનેક્ટિવિટી સમસ્યાથી ગ્રાહકો પરેશાન
પાવીજેતપુર પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટી સમસ્યાના કારણે છેલ્લા અઠવાડિયાથી ગ્રાહકો ધરમ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. ક્યારેક કનેક્ટિવિટી ચાલુ રહે છે તો ક્યારેક તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે ગ્રાહકોના કામો અધવચ્ચે અટકી જાય છે.
છેલ્લા બે દિવસથી તો કનેક્ટિવિટી સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સેવાઓ પર અસર પડી છે. આ સમસ્યાનો સીધો પ્રભાવ બચત ખાતા ખોલાવવા કે બંધ કરવા, આરડી અને એફડી જેવી નાણાકીય સેવાઓ ચાલુ કરવી કે બંધ કરવી, પૈસા ઉપાડવા અને પી એલ આઈ રકમ ભરવા જેવા મોટા ભાગના કામો ઉપર થઈ રહ્યો છે.
ગામડાઓની બ્રાન્ચ ઓફિસો પણ પ્રભાવિત થઈ રહી છે.
પાવીજેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટી ન હોવાથી આસપાસના ૨૫ જેટલા ગામોની બ્રાન્ચ ઓફિસોનું પણ કામ અટવાઈ ગયું છે. રતનપુર, હિરપરી, ભેંસાવહી, વાઘવા, ડુંગરવાંટ અને ચુડેલ જેવા ગામડાઓના રહીશોને તેમની નાની-મોટી સેવા માટે મુખ્ય ઓફિસ પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ કનેક્ટિવિટીની સમસ્યા જારી રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ કનેક્ટિવિટી સમસ્યાના કારણે માત્ર પોસ્ટલ કામ નહીં, પરંતુ નાની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓ અને નાગરિકોની રોજબરોજની જરૂરિયાતો પર પણ અસર પડી રહી છે. લોકો હવે આ સમસ્યાના સમાધાન માટે તંત્ર તરફ આશા રાખી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે. પાવીજેતપુર પોસ્ટ ઓફિસમાં જે સાધનો અપાયેલા છે તે તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં કાર્યક્ષમ ન હોવાથી આ સમસ્યા વારંવાર સર્જાયા કરે છે. સારા નેટવર્ક અને આધુનિક ઉપકરણોની ઉપલબ્ધતા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ ગામડાના રહીશોને રાહત થાય તેવું આયોજન કરે તેવી જનતા ની બુલંદ માંગ ઉઠી છે.