ડીસા તાલુકાના ભોયણ ગામે પાર્લર ચલાવતા શખ્સને ચેક રીટર્ન કેસમાં ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે.
ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં ઝવેરીનગર પ્રાથમિક શાળા પાસે રહેતાં રાહુલ નટવરભાઇ ઠાકોર સેન્ટીંગ કામનો ધંધો કરે છે. તેઓની ભોયણ ગામે સાઇટ ચાલતી હતી ત્યારે તેઓ માલ-સામાન લેવા ભોયણ ગામે પાર્લર ચલાવતા ભરત બાબુભાઇ પ્રજાપતિ પાસે અવાર-નવાર જતાં હોય બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી.
જેમાં ભરત પ્રજાપતિને રૂપિયાની જરૂર પડતાં રાહુલને વાત કરતાં રાહુલે રૂ.1.5 લાખ આપ્યા તેના બદલામાં ચેક આપ્યો હતો. જોકે, રાહુલે બેંકમાં ચેક નાખતાં તે ચેક રીટર્ન થયો હતો. જેથી રાહુલે ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ડીસાના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે રાહુલ ઠાકોરના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરત બાબુભાઇ પ્રજાપતિને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.1.5 લાખ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો હતો અને જો વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.