પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ.15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઇ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો.જે ન ખોલતાં મકાન પાછળ જઇ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી.આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા (13) બુધવારે સવારે 11.30 કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનીટ સુધી કોઇ અવાજ આવ્યો ન હતો. કે તેણી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. આથી પરિવારજનો એકત્ર થઇ ગયા હતા. અને બાથરૂમમાં દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.
આ અંગે સોસાયટીના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, દુર્વા મારી દીકરીની સાથે સ્વસ્તિક હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હતી. બુધવારે નાતાલની રજા હોવાથી તેણી સવારે તો બાળકો સાથે ખુબ જ રમી હતી. તેણી અભ્યાસમાં હોશિયાર હતી.
આ અંગે ડો. સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે. જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. આ ઝેરી ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી. એટલે એની હાજરીની ખબર નથી પડતી પરંતુ એ એક સાઇલન્ટ કિલર છે. ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઇ શકે છે અને તે મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તુરંત સારવાર ન મળે તો કયારેક જીવલેણ પણ સાબિત થાય છે.
બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ના કરશો. બકેટને ગરમ પાણીથી ભરવા દો, ગીઝરની સ્વીચ બંધ કરો, અને પછી બારણું બંધ કરો. બાથરૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખો અને ન્હાતી વખતે વેન્ટિલેશન ખુલ્લું રાખો, સહુથી સારું તો એજ છે કે ગેસ ગીઝર યુનિટ બાથરૂમની બહાર રાખો અને ગરમ પાણી અંદર જતી નળીથી જાય એવી વયવસ્થા કરો, એવી જ રીતે ઇલેકટ્રીક ગીઝર ચાલુ રાખી સ્નાન ન કરો જેનાથી પાણીમાં કરંટ પ્રસરવાની દહેશત રહેલી છે.