પાવીજેતપુર ના ઇતિહાસમાં એક નવો અધ્યાય, ૪ જાન્યુઆરીએ ભવ્ય પ્રવેશદ્વારનું થશે લોકાર્પણ 

        પાવીજેતપુર ગામે એક ઐતિહાસિક ક્ષણ નિમિત્ત બનશે, જયારે શ્રીમતી રશ્મી મહેશભાઈ શાહ પ્રવેશદ્વારનું ભવ્ય લોકાર્પણ ૪ જાન્યુઆરી ૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે કરવામાં આવનાર છે.

          આ પ્રવેશદ્વાર પાવીજેતપુર ગામની શોભા અને ગૌરવ વધારશે. આ પ્રવેશદ્વારનું નિર્માણ મૂળ પાવીજેતપુર ના રહેવાશી અને હાલ ફ્લોરિડામાં સ્થાયી થયેલા સફળ ઉદ્યોગપતિ શ્રી મહેશકુમાર રમણલાલ શાહ (Mike Shah) દ્વારા શક્ય બન્યું છે. શ્રી મહેશભાઈએ આ પ્રવેશદ્વાર માટે આશરે ₹૨૧ લાખનું દાન આપ્યું છે. આ સાથે સરપંચ તેમજ ડે. સરપંચ મોન્ટુ શાહ દ્વારા ₹૧૦ લાખનું યોગદાન કરવામાં આવ્યું છે, જેના દ્વારા કુલ ₹૩૧ લાખના ખર્ચે આ પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે.

           મહેશકુમાર શાહના ઉદાર યોગદાન અને સમાજ માટે તેમના ભાવનાત્મક અભિગમને સન્માન આપવા પાવીજેતપુર ગ્રામ પંચાયત અને કેળવણી મંડળ દ્વારા “ઋણ સ્વીકાર સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશદ્વારથી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ સુધી કવાંટના આદિવાસી નૃત્ય સાથે ગ્રામજનો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવનાર છે. શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલમાં મહેશભાઈના ₹૫૧ લાખના યોગદાનથી બનેલા “સ્માર્ટ ક્લાસ”નું અનાવરણ કરવામાં આવનાર છે. તેમજ શિયાળાની ઋતુમાં ગામના ૮૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને “ધાબળા વિતરણ” મહેશભાઈ શાહના હસ્તે કરવામાં આવનાર છે. 

         મહેશકુમાર શાહનું જીવન પ્રેરણાદાયી છે. તેમણે વિદેશમાં સફળતાના શિખરો સર કરી, ગામની સેવામાં પોતાનું યોગદાન આપ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગામના વિકાસ માટે તેઓ સતત યોગદાન આપી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ગામ અને આસપાસના લોકોમાં ઉત્તેજનાનો માહોલ છે. આ પ્રવેશદ્વાર પાવીજેતપુરના ઇતિહાસમાં એક નવું મોર પીછું જોડાઈ રહ્યું હોય તેમ લોકોને લાગી રહ્યું છે.

         આમ, પાવીજેતપુર ના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહના સક્રિય પ્રયાસોથી તેમજ અમેરિકા રહીશ મહેશભાઈ ના યોગદાન થી ૩૧ લાખના ખર્ચે નવનિર્મિત પ્રવેશદ્વાર નું ૪ જાન્યુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે.