બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શનિવારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના થેરવાડા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી દારૂ સહિત રૂ. 4.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર છે અને તેના લીધે આ જિલ્લામાંથી વિદેશી દારૂની ખુબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઇ રહી છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામ નજીક બનાસકાંઠા એલસીબી પીઆઈ એ. વી. દેસાઈની સૂચનાથી એલસીબી ટીમ ચેકિંગમાં હતી. ત્યારે પોલીસે અત્રેથી પસાર થતી બ્રેઝા કારને અટકાવતાં કારચાલકે ગાડી ભગાવી હતી. જોકે પોલીસે પીછો કરતાં કાર ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો.

પોલીસે કારની તેની તલાશી લેતાં તેમાં 123 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.78,080 રૂપિયાની થાય છે. પોલીસે આ ઘટનામાં દારૂ સહિત રૂ. 4 લાખની કાર મળી કુલ રૂ.4,78.80 નો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.