ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમ નાસતા-ફરતા આરોપીઓની શોધમાં રાજસ્થાનમાં તપાસમાં ગઈ હતી. ત્યારે ડીસામાંથી થોડા દિવસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડીની જાણકારી મળતાં પોલીસે રાજસ્થાનના બાલોતરામાંથી ડીસાથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડી ડીસા લાવી કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેરની મણીભદ્રવીર સોસાયટીમાંથી થોડા દિવસ અગાઉ રાત્રીના સમયે એક ઘર આગળ પાર્ક કરેલી ઈકો ગાડીની ચોરી કરી શખસ લઈ ગયો હતો. જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે ડો.અનીલ જે.સીસારા, અ.જ.ના.પો. અધિક્ષક સ્ટાફના અશોકસીંહ, સમીઉલ્લાખાન અશ્વિનભાઈ, ચંદ્રિકાબેન સહિતની ટીમ નાસ્તા-ફરતા આરોપીઓને પકડવા માટે રાજસ્થાનમાં ગઇ હતી.
ત્યારે ડીસામાંથી ચોરી થયેલ ઈકોની બાતમી મળતાં તપાસ કરાવતા એક શખસ રાજસ્થાનના બાલોતરામાં ઇકો ગાડી સાથે મળી આવતા પોલીસે તેની પાસે ઇકોના કાગળો બાબતે પુછપરછ કરતા કાગળો ન હોઇ ઇકો ગાડીની તપાસ કરતા ડીસામાંથી ચોરેલી હોવાનું જણાયું હતું.
જેથી પોલીસે ઇકો ગાડી જપ્ત કરી આરોપી જીતેન્દ્રદાન લાલદાનજી ચારણ (ગઢવી) (હાલ રહે.રાજસ્થાન) ની અટકાયત કરી ડીસા લાવી અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.