ડીસા તાલુકાના મહાદેવીયા ઢાણી ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થતાં મારામારી થઇ હતી. જે બાબતે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં 7 વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઇ હતી.

ડીસાના મહાદેવીયા ઢાણી ગામે બુધવારની મોડી સાંજે મંદિર પાસે કિરણભાઈ નાગજીભાઈ પોતાની ઇકો ગાડી લઈ ઉભા હતા. ત્યારે રમેશભાઈ કાનાજી ઠાકોરને ગાડી સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી થઇ હતી. ત્યારે રમેશભાઇ તેમના દીકરા વિક્રમ અને રઘુજીએ સાથે મળી કિરણભાઇ ઉપર તલવાર, વાંસી અને લોખંડની પાઇપ વડે હૂમલો કરી મારમારી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. જેથી કિરણભાઇએ રમેશભાઇ, વિક્રમ અને રઘુજી સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામે પક્ષે રઘુજી રમેશજી ઠાકોરની ફરિયાદ અનુસાર કિરણભાઈ નાગજીભાઇને ગાડી સાઈડમાં લેવાનું કહેતા વાઘાજીભાઇ જગાજી, નાગજીભાઇ જગાજી અને દિનેશભાઇ પ્રતાપભાઇએ અપશબ્દો બોલી વાંસી અને લાકડીઓ વડે મારમાર્યાંની ફરિયાદ નોંધાવી હતી.

જેની તપાસ તાલુકા પી.એસ.આઇ. આર.વી.ડાભીએ હાથ ધરી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ મુજબની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી ચલાવી રહ્યા છે.