ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં ગુરૂવારે આગની ઘટના સામે આવી હતી. જેમાં શ્રમજીવી પરિવારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અત્યારે આગની ઘટનામાં શ્રમજીવી પરિવારના તમામ ઘરમાં પડેલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે.
ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં શ્રમિક પરિવારના મકાનમાં અચાનક આગ લાગી હતી. બેકરી કુવા વિસ્તારમાં રહેતા સોમીબેન લુહાર પોતાનું મકાન બંધ કરી અને મજૂરી કામ અર્થે ગયા હતા. જે દરમિયાન બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં મકાનમાં પડેલ તમામ સર સમાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને તથા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાને જાણ કરી હતી. જેથી પાલિકાની ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુ મેળવવા માટે કામે લાગે હતી.
ફાયર-ફાઇટર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ હતી. પરંતુ આગ વધુ હોવાના કારણે ઘરમાં પડેલ કુલર પંખો ટીવી સહિત ઘર સામાન તેમજ એક્ટિવા બળીને ખાખ થઇ ગયુ હતું. આ ઘટનાની જાણ થતા ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત ડીસા ઉત્તર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા મકાન માલિક સોમીબેન લુહાર પણ દોડી આવ્યા હતા.
આ અંગે સોમીબેન લુહારે જણાવ્યું હતું કે, સવારે રસોડાનું કામ કરવા ગયા હતા. તે બાદ મોડેથી આગની ઘટના બની હોવાની મને જાણ થઈ હતી. આગની ઘટનામાં અમારે કશું જ બચ્યું નથી ઘરમાં પડેલા રૂ. 35,000 પણ આગમાં બળી ગયા છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી ગરીબ પરિવાર હાલમાં માંગ કરી રહ્યો છે.