ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં યુવકને માર મારવાની અદાવત રાખી બુધવારે રાત્રે નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ઈમરાનભાઈ ત્રણ સાગરિતો સાથે આવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ઘર આગળ પડેલી રીક્ષાની તોડફોડ કરી હતી. આ અંગે ચારેય શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસાના વોર્ડ નં. 9 ના ગવાડી તીનબતી વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક સોસાયટીમાં રહેતા નાસિરખાન અહેમદભાઈ મકરાણી 06 નવેમ્બરનાં રોજ પોતાના ઘરે હાજર હતાં. તે દરમિયાન રાત્રિના સાડા નવેક કલાકે કોંગ્રેસના નગરસેવક ઇમરાનભાઇ, સફદર, અનુ અને ફેઝાન હાથમાં લોખંડની પાઇપ લઈને ઘર આગળ આવ્યા હતા. અને તારો દીકરો વસીમ ક્યો ગયો છે. અમારા ભાણીયા સફદરને કેમ માર્યો હતો. તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ ઘરની બહાર પડેલી રિક્ષાની તોડફોડ કરી હતી. અને નાસિરખાનને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. આ અંગે નાસિરખાને સફદર, અનુ, ફેઝાન અને ઇમરાનભાઈ નગરસેવક (તમામ રહે, ડીસા ગંજીપુર ગવાડી, ડીસા)સહિત આ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
રાત્રે હાથમાં લોખંડની પાઇપ લઈને આવેલા આરોપીઓ ગાળાગાળી કરીને ઘરની બહાર ઊભેલ રિક્ષામાં લોખંડની પાઇપ વડે તોડફોડ કરતાં ઘરની અંદર રહેલ પતિ પત્નીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. સોસાયટીના લોકો દોડી આવતા આરોપીઓએ તારો દીકરો સામો મળ્યો તો જાનથી મારી નાખશું, તેવી જાસા ધમકી આપી ભાગી ગયા હતા.