બનાસકાંઠાના ડીસામાં થયેલી આંગડિયા લૂંટનો પોલીસે ગણતરીના દિવસમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. 46 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ મામલે પોલીસે સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ લૂંટના ગુનાને અંજામ આપવા માટે આંગડિયા પેઢીના કર્મચારીઓની છેલ્લા છ મહિનાથી રેકી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ જેલમાં બંધ એક આરોપીની મદદથી મધ્યપ્રદેશથી તમંચાની ખરીદી કરી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના બાદ બનાસકાંઠા પોલીસે આસપાસના વિસ્તારોના 250 સીસીટીવી ફંફોળી આરોપી સુધી પહોંચી હતી.

ડીસા શહેરની જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્ષની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં એચ.એમ. આંગડિયા પેઢીની ઓફિસ આવેલી છે. 14 ઓક્ટોબરે આંગડિયા પેઢી ધરાવતા ટીનાભાઈ રાજપૂતના ડીસાના સ્મશાન ગૃહ નજીક આવેલા ઘરેથી તેમના ઓફિસના સ્ટાફનો કર્મચારી નિકુલ પંચાલ રોકડ રકમ ભરેલો થેલો લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. એક્ટિવા પર નિકુલ વાડી રોડ થઈ લાલચાલી વિસ્તારમાંથી નીકળતાં જ બે અજાણ્યા શખ્સે તેને આંતર્યો હતો અને તમંચો બતાવી રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા.

ડીસા શહેરમાં આંગડિયા લૂંટ અંગે પોલીસને જાણ થતાં જ બનાસકાંઠા પોલીસ લૂંટારા સુધી પહોંચવા એકશનમાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે એસપી દ્વારા અલગ-અલગ સાત ટીમની રચના કરવામાં આવી હતી. આ તમામ ટીમે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે જે જગ્યાએ બનાવ બન્યો એના આસપાસના વિસ્તારના 250 જેટલા સીસીટીવી ફંફોળ્યા હતા.

ઝડપાયેલા શખ્સોના નામ

(1) પ્રકાશ ઉર્ફે પકો રાવળ

(2) ભાયલાલ ઉર્ફે અરવિંદ દડિયો

(3) સાગર ઉર્ફે કાળિયો ડાહ્યા રાવળ

(4) પ્રેમકુમાર શ્રવણ બારોટ

(5) શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર

(6) હિતેષ રાજુભાઇ પટણી

(7) કરણસિંહ દિલીપસિંહ સોલંકી

આ બે આરોપીને ઝડપવાના બાકી

1. કિશોરકુમાર કાન્તિલાલ લુહાર( હથિયાર ખરીદવામાં મદદ કરનાર)

2. ટીલુ તોમર (હથિયાર વેચાણથી આપનાર)

આરોપીઓએ છ મહિના સુધી એચ.એમ. આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી હતી. શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર, હિતેષ રાજુભાઈ પટણી અને કરણસિંહ સોલંકી નામના આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી તેમની અવરજવરનો સમય નોંધ્યો હતો. આ ત્રણેય લોકોએ પ્રકાશ ઉર્ફે પકો રાવળ, બાઈલાલ ઉર્ફે અરવિંદ દડિયો અને પ્રેમકુમાર બારોટને માહિતી પૂરી પાડી હતી અને તમંચાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ ગુનામાં જે તમંચાનો ઉપયોગ કરાયો હતો એ સાબરમતી જેલમાં બંધ આરોપીની મદદથી મધ્યપ્રદેશથી ખરીદાયો હોવાનું સામે આવ્યું છે. લૂંટને અંજામ આપ્યા બાદ જે રકમ મળે એ રકમમાંથી અમુક રકમ ભટામલમાં રહેતા સાગર ઉર્ફે કાળિયા રાવળને આપી દેવાનું નક્કી કરાયું હતું.