ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ગુરૂવારે મોડી રાત્રે ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. જ્યાંથી શંકાસ્પદ જણાતા 10,638 કિલો ઘી અને તેલના સેમ્પલ લેવાયા હતા. તેમજ કુલ રૂ.28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

તાજેતરમાં જ ડીસામાંથી 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ત્યારે ફૂડ વિભાગે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે અમર ઈન્ડસ્ટ્રીઝ, તાશ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નામના યુનિટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય એકમો તેલ અને ઘી બનાવતા હોવાથી મોટાપાયે ભેળસેળ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો હતો. ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે.

સીઝ કરાયેલા જથ્થામાં પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત, કાઉ ઘી નામની બ્રાન્ડના નમૂના લેવાયા છે. ડીસા જીઆઇડીસીમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.