વડગામ તાલુકાના ચાંગા ગામે પતિના ત્રાસને લઈ બે સંતાનની માતાએ મંગળવાર સાંજે ખેતરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી હતી. આ ઘટનાને લઈ મૃતકના ભાઈએ શુક્રવારે છાપી પોલીસ મથકે દુત્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડગામ તાલુકાના મજાદર ગામના રાજપૂત સમાજની દીકરી ક્રિષ્નાના લગ્ન ચાંગા ગામના વંદનસિંહ કરશનજી વાઘેલા (રાજપૂત) સાથે બાર વર્ષ પૂર્વે થયા હતા. લગ્નના ચાર વર્ષ સુધી લગ્નજીવન સુખમય વિત્યું હતું. જોકે બાદમાં પતિ દ્વારા અવાર-નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી તું ગમતી નથી તેવા મેણાટોણા મારતા હતા. અગાઉ મૃતક પરિણીતા પતિના ત્રાસને લઈ છ માસ સુધી પિતાના ઘરે આવી ગઈ હતી. દરમિયાન સમાજના લોકો દ્વારા સમજાવટ કરાતા સાસરે ગઈ હતી. જોકે, પતિ વારંવાર ત્રાસ આપતા આખરે મંગળવાર સાંજના સુમારે ખેતરની ઓરડીમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

 આ સમગ્ર ઘટનાને લઈ મૃતકના ભાઈ ઉદયસિંહ ભવાનસિંહ રાઠોડે બનેવી વિરુદ્ધ દુષ્મેરણની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને એક સાત વર્ષનો દીકરો અને નાની દીકરી હોવાનું જાણવા મળે છે.