ડીસા તાલુકાના જુનાડીસા ગામના શખ્સે ડીસાની ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઈ ન ભરતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે છ માસની કેદની સજા તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જુના ડીસા ગામના આંબેડકર નગર ખાતે રહેતા સંજયભાઈ ઇશ્વરભાઇ પુનડીયાને પૈસાની જરૂર પડતા તેઓએ ડીસામાં જલારામ મંદિરની પાછળ શ્રીજી આરકેડમાં આવેલ જે. કે. ફાઇનાન્સ નામની પેઢીમાંથી તારીખ 16/5/2023ના રોજ 22,500ની લોન લીધી હતી. જેના તેઓએ હપ્તા ભર્યા ન હતા. જેથી જે કે ફાઇનાન્સ પેઢીના ભાગીદાર કિરણભાઈ ઠક્કરે તેઓની પાસે ઉઘરાણી કરતા તેઓએ રૂપિયા 13,500 ચેક આપ્યો હતો. જે ચેક પેઢી દ્વારા બેંકમાં ભરવામાં આવતા સંજયભાઈના ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક રીટર્ન થયો હતો.

પેઢી દ્વારા તેઓના વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેઓએ નાણાં ભર્યા ન હતા. જેથી જે.કે. ફાઇનાન્સ પેઢીના ભાગીદાર કિરણભાઈ ઠક્કરે ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એચ.મકરાણીએ ફરિયાદી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. તેમજ સંજયભાઈ પુનડિયાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે છ માસની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 60 દિવસમાં ફરિયાદીને રૂપિયા 13,500 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.